ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી દારુની બોટલો મળી આવી છે, હોસ્ટેલના ધાબા પરથી દારુની ખાલી બોટલો મળી આવતા વિધાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકના ધાબા પર દારુની મહેફિલ થયાનો આક્ષેપ વિધાર્થી દ્વારા કરવામાં આવ્યો છે, અંદાજિત 10થી વધુ વિદેશી દારુની ખાલી બોટલો મળી આવી છે, વિદેશી દારુની બોટલો મળતા સિક્યુરિટી સામે સવાલ ઉભા થયા છે, સિકયુરીટી છે તેમ છત્તા કઈ રીતે લોકો ધાબા સુધી પહોંચ્યા તે સવાલ છે.

શિક્ષણના ધામમાં મળી દારૂની બોટલો, ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલના ધાબા પરથી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો હતો, અગાઉ પણ પંડિત દિનદયાળની જન્મ જયંતી નિમિતે યોજાયેલ સફાઈ અભિયાન દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. હોસ્ટેલમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડનની હાજરી હોવા છતાં લોકો કઈ રીતે ધાબા સુધી પહોંચ્યા હશે અને દારૂની મહેફિલ માણી હશે તેને લઈ સવાલ ઉભા થયા છે.
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં છોકરા અને છોકરીઓની હોસ્ટેલ આવેલી છે અને રોજના હજારો વિધાર્થીઓ આ કેમ્પસમાં આવતા હોય છે, દારૂની બોટલો તો મળી આવી છે પરંતુ સત્તાધીશો દ્વારા આ મામલે કોઈ તપાસ કરવામાં આવી નથી અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી, અગાઉ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના બે અલગ અલગ છોડ મળ્યા હતા, જેમાં એક 6.5 ફૂટનો છોડ હતો, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ હતો.


