E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : રશિયાના હુમલામાં યુક્રેન,પડોશી દેશ મોલ્ડોવામાં વીજળી ગુલ

World : રશિયાના હુમલામાં યુક્રેન,પડોશી દેશ મોલ્ડોવામાં વીજળી ગુલ

રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલી જ વખત કોઈ બીજો દેશ પણ ઝપાટામાં આવી ગયો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કરેલા હુમલામાં તેના વીજ માળખાને લક્ષ્યાંક બનાવતા કીવના રહેવાસીઓએ ગાત્રો ધૂ્રજાવતી ઠંડીમાં હીટિંગ વગર રહેવાના દિવસો આવ્યા છે. આ સિવાય હુમલાના કારણે પડોશી દેશ મોલ્ડોવાના નોંધપાત્ર હિસ્સામાં બત્તી ગુલ થતાં મોટી સંખ્યામાં લોકોએ વીજવિહીન સ્થિતિમાં રહેવું પડયું છે.આમ હાલમાં બે જણા લડે તેમા ત્રીજાનો ખો નીકળે તેવી સ્થિતિ મોલ્ડોવાના લઈ છે. રશિયાએ યુક્રેનના વીજ માળખા પર હુમલો કર્યો છે. મોલ્ડોવાને યુક્રેન વીજળી પૂરી પાડે છે અને તેથી યુક્રેનની પાવર ગ્રિડનું જોડાણ મોલ્ડોવા સાથે છે. તેથી યુક્રેનની પાવર ગ્રિડ પર હુમલો થવાના કારણે મોલ્ડોવાની વીજલાઇન પણ ટ્રિપ થઈ ગઈ છે. તેના લીધે મોલ્ડોવાની રાજધાની ચિસિનૌ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. 

મોલ્ડોવાના ઊર્જાપ્રધાને જણાવ્યું હતું કે યુક્રેનથી આવતો વીજ પુરવઠો બંધ થતાં ઓટોમેટિક પ્રોટેકશન સિસ્ટમ ટ્રિગર થઈ અને તેણે વીજ પુરવઠો બંધ કરી દીધો. હું લોકોને ફક્ત એટલું જ જણાવીશ કે વીજ પુરવઠો ફરીથી સ્થપાય નહીં ત્યાં સુધી લોકો શાંત રહે. યુક્રેન સાથેના યુદ્ધના કારણે પહેલી વખત જ કોઈ યુરોપીયન દેશ રશિયાના કારણે આ પ્રકારના વીજસંકટમાં મૂકાયો છે. આના કારણે યુરોપીયન દેશોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. લગભગ ચાર વર્ષ છતાં હજી પણ ન અટકતું રશિયા-યુક્રેન યુદ્ધ યુરોપના બીજા કેટલા દેશો પર પરોક્ષ રીતે અસર કરશે તેવો સવાલ પણ ઠવા લાગ્યો છે.

યુક્રેનને ઉર્જાપ્રધાને સત્તાવાર કારણ એવું આપ્યું છે કે વીજ માળખા સાથે થયેલા ચેડાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કીવ, ઝિટોમીર અને ખાર્કિવ વિસ્તારમાં અંધકારપટ છવાઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે પાવર ગ્રિડ પર હુમલો થતાં ઓટોમેટિક પ્રોટેકશન સિસ્ટમ આપમેળે સક્રિય થઈ જાય છે. આ પાવર આઉટેજના કારણે યુક્રેનની રાજધાનીને મળતો પાણી પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. લો વોલ્ટેજ નેટવર્કના કારણે કીવની સબવે સિસ્ટમ પણ બંધ રાખવાની ફરજ પડી છે.

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયા શિયાળાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનના કેટલાય વિસ્તારોમાં તાપમાન માઇનસ ૩૦ ડિગ્રી કરતાં પણ નીચે ઉતરી ગયુ છે તે સંજોગોમાં લોકોને રશિયા વીજવિહીન સ્થિતિમાં મૂકીને વીજળી વગર રહેવાની સ્થિતિમાં ફરજ પાડી રહ્યુ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પુતિનને મેં વ્યક્તિગત રીતે જણાવ્યું હતું કે આત્યંતિક શિયાળાની સ્થિતિમાં તેઓ યુક્રેનના શહેરોના વીજ માળખા પર હુમલા ન કરે. તેઓ આ માટે સંમત પણ થયા હતા, પણ તેનો અમલ જોવા મળ્યો નથી. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા કોઈપણ રીતે યુદ્ધ અટકાવવાનો ઇરાદો ધરાવતું હોય તેમ લાગતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments