E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : Budget 2026: દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી 'ગર્લ્સ હોસ્ટેલ',...

Breaking News : Budget 2026: દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી ‘ગર્લ્સ હોસ્ટેલ’, શિક્ષણ ક્ષેત્રે 4 મહત્ત્વની જાહેરાત

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને મહિલા સશક્તિકરણને લઈ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. સરકારે નિર્ણય લીધો છે કે દેશના તમામ જિલ્લાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ‘ગર્લ્સ હોસ્ટેલ’ બનાવવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓને શહેરોમાં શિક્ષણ મેળવતી વખતે પડતી રહેવાની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાનો છે.

દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે: નાણામંત્રી

નાણામંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, હું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રોકાણ દ્વારા નવી સંસ્થાઓ, યુનિવર્સિટી ટાઉનશિપ, ગર્લ્સ હોસ્ટેલ અને ટેલિસ્કોપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપિત કરવા માટે બહુવિધ પગલાંઓનો પ્રસ્તાવ મૂકું છું. દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.

બજેટ 2026-27માં શિક્ષણ ક્ષેત્રે જાહેરાત

• નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID): ભારતના પૂર્વીય વિસ્તારમાં ડિઝાઈન શિક્ષણ અને તેના વિકાસને વેગ આપવા માટે એક નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનની સ્થાપના કરવામાં આવશે.

• યુનિવર્સિટી ટાઉનશિપ્સ: મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની આસપાસ 5 નવી ‘યુનિવર્સિટી ટાઉનશિપ’ બનાવવામાં આવશે, જેથી શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે સીધો સમન્વય સાધી શકાય.

• ગર્લ્સ હોસ્ટેલની સુવિધા: દેશના દરેક જિલ્લામાં આવેલી ઉચ્ચ શિક્ષણની STEM (Science, Technology, Engineering, and Mathematics) સંસ્થાઓમાં 1 ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.

• ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખગોળશાસ્ત્ર (Astronomy) અને એસ્ટ્રોફિઝિક્સને પ્રોત્સાહન આપવા માટે દેશમાં 4 ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ નવી સ્થાપવામાં આવશે અથવા હાલની સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે.

ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા-જમવા સહિતની હશે સુવિધા

ઘણીવાર આર્થિક સંકડામણ અથવા સુરક્ષિત રહેવાની જગ્યાના અભાવે તેજસ્વી વિદ્યાર્થિનીઓ ઉચ્ચ શિક્ષણ અધવચ્ચે જ છોડી દેતી હોય છે. હવે સરકાર દરેક જિલ્લામાં હોસ્ટેલની સુવિધા આપીને આ અંતરને દૂર કરશે. દેશના તમામ જિલ્લાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેથી કોઈ પણ વિસ્તારની દીકરી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે.

આ હોસ્ટેલ્સ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની નજીક અથવા જિલ્લા મથકો પર બનાવવામાં આવશે, જ્યાં દીકરીઓને રહેવા-જમવા ઉપરાંત સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ જાહેરાતથી એજ્યુકેશન સેક્ટરને મોટો બૂસ્ટ મળશે અને ખાસ કરીને સ્ટેમ (STEM) ફિલ્ડમાં મહિલાઓની ભાગીદારી વધવાની પૂરેપૂરી શક્યતા છે. સરકારના આ પગલાને શિક્ષણશાસ્ત્રીઓ અને વાલીઓ વધાવી રહ્યા છે, કારણ કે આનાથી દીકરીઓના ડ્રોપ-આઉટ રેશિયોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments