પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન કોલેજના એક પ્રોફેસર દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ગંભીર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે.પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન કોલેજના એક પ્રોફેસર દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ગંભીર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે.
મળેલી માહિતી પ્રમાણે MA વિભાગની અંદાજે 200 જેટલી ઉત્તરવહીમાં એકસરખા ગુણ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર આવતા પરીક્ષા વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.પરીક્ષા વિભાગના ધ્યાન પર આવ્યું કે સંબંધિત પ્રોફેસરે દરેક પ્રશ્નમાં 12 થી 13 ગુણ સરખા જ આપી દીધા છે. પરિણામે 200થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એકસરખા દર્શાવવામાં આવ્યા છે, જે સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે.

આ મામલો બહાર આવતા HNGU પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પરીક્ષા નિયામક મિતલ દેલીયાએ જણાવ્યું કે,સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.ચોંકાવનારી વાત એ છે કે બેદરકારી સામે આવી ગયા બાદ પણ સંબંધિત પ્રોફેસરે પરીક્ષા વિભાગના કર્મચારીઓને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રોફેસરની આ દાદાગીરી અને આળસને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરીક્ષા વિભાગે 200થી વધુ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ફરીથી ઉત્તરવહી ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ યુનિવર્સિટીની મૂલ્યાંકન વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.


