વડોદરા ખાતે બીજી ફેબ્રુઆરીના રોજ મહંતસ્વામી મહારાજની 92 મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી. મહંતસ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વીડિયોની સાથે બી.એ.પી.એસ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પ. પૂ. મહંતસ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં મનનીય પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા મહંતસ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું.

મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ સંસ્થાના 3થી 13 વર્ષની વય સુધીના 15000 કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે.
આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં બી.એ.પી.એસ.ના મોટી સંખ્યામાં સંતો તથા 34 સેવાવિભાગોના 14,000 સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી. આ ઐતિહાસિક મહોત્સવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષા, સલામતી અને જરૂરી સેવાઓ બાબતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ સમારોહ દ્વારા સૌએ વિનમ્રતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાના ભાવ સાથે જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.


