સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે જાહેરાત કરી છે કે તેમનો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માંગે છે.સોશિયલ મીડિયાની વધતી લત અને તેના પર પીરસવામાં આવતા હાનિકારક કન્ટેન્ટ સામે હવે વૈશ્વિક સ્તરે યુદ્ધ છેડાયું છે. મંગળવારે સ્પેન અને ગ્રીસે ટીનએજર્સ (કિશોરો) દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં મહત્વના પ્રસ્તાવ રજૂ કર્યા છે.
સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે જાહેરાત કરી છે કે તેમનો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માંગે છે. તેમનો ઉદ્દેશ્ય બાળકોને પોર્નોગ્રાફી, હિંસા અને અન્ય હાનિકારક કન્ટેન્ટથી બચાવવાનો છે. બીજી તરફ, ગ્રીસ પણ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આવો જ કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ ઓસ્ટ્રેલિયા આવો પ્રતિબંધ લાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

સ્પેનના આ પ્રસ્તાવથી ‘X’ ના માલિક એલોન મસ્ક લાલચોળ થઈ ગયા છે. મસ્કે સોશિયલ મીડિયા પર અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી સાંચેઝને ‘ડર્ટી સાંચેઝ’ અને ‘ફાસીવાદી તાનાશાહ’ કહીને સંબોધ્યા છે. મસ્કે તેમને સ્પેનના લોકો માટે ‘ગદ્દાર’ પણ ગણાવ્યા છે. મસ્કનું માનવું છે કે આ પ્રકારના પ્રતિબંધો અભિવ્યક્તિની આઝાદી અને ટેકનોલોજીના વિકાસમાં અવરોધક છે.
તાજેતરમાં એલોન મસ્કના ‘Grok AI’ ચેટબોટ દ્વારા લોકોની સંમતિ વિના વાંધાજનક અને સેક્સ્યુઅલ ઈમેજ બનાવવાના અહેવાલોથી વિશ્વભરમાં આક્રોશ ફેલાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હવે લત લગાડવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે, આ દેશોનું માનવું છે કે બાળકોના કોમળ માનસ પર તેની ગંભીર અસરો થઈ રહી છે. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પણ હવે આ દિશામાં કડક કાયદાઓ ઘડવાનું વિચારી રહ્યા છે, જે સૂચવે છે કે ભવિષ્યમાં ટેક કંપનીઓ માટે યુરોપમાં કામ કરવું મુશ્કેલ બની શકે છે.


