ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક એવી ઘટના બની છે જેણે ડિજિટલ યુગમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક એવી ઘટના બની છે જેણે ડિજિટલ યુગમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સાહિબાબાદના ટીલામોડ વિસ્તારની ‘ભારત સિટી સોસાયટી’માં મંગળવારે રાત્રે 16 વર્ષની નિશિકા, 14 વર્ષની પ્રાચી અને 12 વર્ષની પાખીએ નવમા માળે પોતાની બાલ્કનીમાંથી ઝંપલાવીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. આ કરૂણાંતિકા પાછળ ઓનલાઇન ગેમિંગની લત અને ખાસ કરીને કોરિયન લવર ગેમ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
પોલીસને તપાસ દરમિયાન કિશોરીઓના રૂમમાંથી એક ડાયરી મળી આવી છે, જેમાં આઠ પાનાની લાંબી સુસાઈડ નોટ લખેલી હતી. આ પત્રમાં દીકરીઓએ લખ્યું હતું, “સોરી પપ્પા, આઈ એમ રિયલી સોરી.” આ ડાયરીમાં એવી વાતો પણ લખેલી હતી જે સાબિત કરે છે કે તેઓ વાસ્તવિકતાથી દૂર કોઈ કાલ્પનિક દુનિયામાં જીવતી હતી. તેમણે લખ્યું હતું કે, “પપ્પા તમે ભારતીય છો, પણ અમે કોરિયન છીએ, તો પછી અમે કોઈ ભારતીય સાથે લગ્ન કેવી રીતે કરી શકીએ?

પિતા ચેતન કુમારે જણાવ્યું કે ત્રણેય બહેનો છેલ્લા બે વર્ષથી શાળાએ પણ જતી નહોતી અને આખો દિવસ મોબાઈલ પર કોરિયન ગેમ્સ રમતી હતી. તેઓ આ ગેમથી એટલી હદે પ્રભાવિત હતી કે તેમણે પોતાના નામ બદલીને ‘મારિયા’, ‘અલિજા’ અને ‘સિન્ડી’ રાખી લીધા હતા. તેઓ પોતાને ભારતીય માનવાને બદલે કોરિયન માનતી થઈ ગઈ હતી.
આ ઘટનાનું મુખ્ય કારણ મોબાઈલ ફોનની લત હતી. ત્રણ દિવસ પહેલા પિતાએ અભ્યાસ અને સ્વાસ્થ્યના બહાને દીકરીઓ પાસેથી ફોન લઈ લીધા હતા. આ બાબતથી ત્રણેય બહેનો ભારે આઘાતમાં હતી. મંગળવારે રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે લગભગ બે વાગ્યે ત્રણેય બહેનોએ એકસાથે મોતની છલાંગ લગાવી દીધી.
શેર ટ્રેડિંગનું કામ કરતા ચેતન કુમાર પોતાની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે આ સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહે છે. આત્મહત્યા કરનારી ત્રણ દીકરીઓ પૈકી નિશિકા તેમની પહેલી પત્નીની દીકરી હતી, જ્યારે પ્રાચી અને પાખી બીજી પત્નીની દીકરીઓ હતી. આ ઘટના એ તમામ માતા-પિતા માટે ચેતવણીરૂપ છે જેમના બાળકો કલાકો સુધી ઓનલાઇન ગેમ્સ અને સોશિયલ મીડિયા પાછળ સમય વિતાવે છે. વર્ચ્યુઅલ દુનિયાના ટાસ્ક બાળકોને ક્યારે મોતની ખીણમાં ધકેલી દે છે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.


