વેરાવળ-જૂનાગઢ બાયપાસ પર મુરલીધર કોમ્પલેક્ષમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી. 4 માળની બિલ્ડિંગ પાસે NOC નહોતી. ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા.ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ-જૂનાગઢ બાયપાસ રોડ પર આજે એક મોટી આગની ઘટના સામે આવી છે. જ્યાં આવેલા મુરલીધર કોમ્પલેક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, ચાર માળનું આખું કોમ્પલેક્ષ આગની લપેટમાં આવી ગયું હતું.

ઘટનાની માહિતી અનુસાર, કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખોની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે.
આગની આ ઘટનામાં વહીવટી તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કોમ્પલેક્ષ ફાયર NOC (No Objection Certificate) વગર જ ધમધમી રહ્યું હતું. અગાઉ પણ તંત્ર દ્વારા ફાયર સિસ્ટમ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હતી. આ મામલે ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યું હતું કે, આ કોમ્પલેક્ષ મંજૂરી વગરનું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. સંલગ્ન વિભાગોના રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


