ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે.
અમેરિકાએ ભારતીય માલસામાન પર લાદેલો 50 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને 18 ટકા કર્યો છે. આ નિર્ણયથી ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટો લાભ થશે, જે છેલ્લા 6 મહિનાથી સંકટના વાદળોથી ઘેરાયો હતો. અમેરિકા ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગનો સૌથી મોટું બજાર છે. હીરા અને ઝવેરાતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 30 ટકા છે અને વાર્ષિક અંદાજે 10 અબજ ડોલર (૧૦ બિલિયન ડોલર)ની નિકાસ થાય છે.
જેમાંથી 7થી 8 અબજ ડોલર હીરાની નિકાસ હોય છે, પરંતુ 2025માં અમેરિકાએ પહેલાં 25% અને પછી વધારાનો 25%નો ટેરિફ લાદ્યો હતો. જેના કારણે કુલ ટેરિફ 50% થતા ગત એપ્રિલથી ડિસેમ્બર-2025 દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા-ઝવેરાતની નિકાસ પાછલા વર્ષે 6.95 અબજ ડોલરની તુલનાએ 44.4 % ઘટીને માત્ર 3.86 અબજ ડોલર રહી ગઈ હતી. ગત ડિસેમ્બર 2025માં આ નિકાસ 50%થી વધુ ઘટી ગઈ હતી.

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે, સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ ટેરિફ ઘટાડાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વધુ પડતા ટેરિફના કારણે સુરતના હીરાના પોલિશિંગ યુનિટ્સમાં લાખો કામદારો પર નોકરીનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઉદ્યોગને માર્જિન પર ભારે દબાણ આવ્યું હતું, કેશફ્લો અટવાઈ ગયો હતો.
હવે 18% ટેરિફ થતા હીરાઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર થશે. ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર આ ટેરિફ કટથી હીરાના નિકાસકારોને હવે વધુ સસ્તી કિંમતે માલ વેચવાની તક મળશે. જેથી નવા ઓર્ડર પાછા મેળવી શકાશે, જેનાથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે. ટેરિફ ઘટાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિક કુનેહના ફરી એક વાર દેશવાસીઓને દર્શન થયા છે એમ જણાવી નાવડિયાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે.
આ રાહતથી માસ-માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગ્મેન્ટમાં અમેરિકાના ખરીદદારો ફરીથી ભારતીય હીરા અને ઝવેરાત તરફ વળશે. લેબગ્રોન ડાયમંડ્સની વધતી હરીફાઈ વચ્ચે પણ નેચરલ ડાયમંડ્સની માગ પણ પૂર્વવત થશે. સુરતના હીરા બજારમાં ફરી રોનક આવશે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, ટેરિફ કાપનો નિર્ણય ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો અધ્યાય ખોલશે. આગામી મહિનાઓમાં ડાયમંડ નિકાસમાં ઝડપી વૃદ્ધિ થશે અને સુરત-મુંબઈના હીરા-ઝવેરાત હબ ફરીથી ધમધમી ઊઠશે. ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે આ એક નવી ઉર્જા આપશે. જેનાથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું છે.


