E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં...

Gujarat : થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આજે (7 ફેબ્રુઆરી, 2026) સાંચોર-થરાદ હાઈવે પરના સર્વિસ રોડ પર વધુ એક લોહીયાળ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી કારે બાઈકને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે ક્ષણભરમાં બે જીંદગીઓ હોમાઈ ગઈ હતી.

ઘટનાની કરુણતા એ છે કે, પીલૂડા ગામના ત્રણ યુવાનો એક જ બાઈક પર સવાર થઈને માતાજીના એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. યુવાનોના મનમાં શ્રદ્ધા અને ઉત્સાહ હતો, પરંતુ કોને ખબર હતી કે રસ્તામાં ‘કાળ’ તેમની રાહ જોઈને બેઠો છે. સાંચોર-થરાદ હાઈવેના સર્વિસ રોડ પર પાછળથી આવતી પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણેય યુવાનો હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં નાગજીભાઈ સામાજી વજીર અને ભાણજીભાઈ કેશરાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ નાગજીભાઇ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે માતા-પિતાનો આધાર છીનવાયો હતો. મૃતક ભાણજીભાઈ તેમના વૃદ્ધ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જે દીકરાના સહારે માતા-પિતા ઘડપણ કાઢવાની આશા સેવી હતી, તે દીકરાની લાશ જોવાનો વારો આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.

જ્યારે નાગજીભાઇના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. નાગજીભાઈના નિધનથી તેમના બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરના મોભીના જવાથી આ પરિવાર હવે નોંધારો બન્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશભાઈ નાગજીભાઈ પટેલને તાત્કાલિક થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પીલૂડા ગામ અને સમગ્ર આંજણા પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. જે ઘરે માતાજીના પ્રસંગના ગીતો ગવાવાના હતા, ત્યાં આજે મરશિયા અને આક્રંદ સંભળાઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments