E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : બુટલેગરોની હિંમત તો જુઓ! પાણી પુરવઠાની ઓરડીને જ બનાવી દીધું...

Gujarat : બુટલેગરોની હિંમત તો જુઓ! પાણી પુરવઠાની ઓરડીને જ બનાવી દીધું દારૂનું ગોડાઉન, કર્મચારીની સંડોવણીની આશંકા

ગુજરાતમાં દારૂબંધીને પડકાર ફેંકવા બુટલેગરો અવનવા નુસખાઓ અપનાવતા હોય છે, પરંતુ પાવી જેતપુરના કાવરા ગામે ગ્રામજનોની સતર્કતા સામે બુટલેગરોના મનસૂબા ધૂળ ચાટતા થઈ ગયા છે. જ્યાંથી આખું ગામ તરસ છિપાવે છે, તે જ પાણી પુરવઠાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવાનું શરમજનક કારસ્તાન જાગૃત નાગરિકોએ ખુલ્લું પાડ્યું છે. ત્યારે આમાં કોઈ કર્મચારીની મિલીભગત કે સંડોવણી વગર આ કામ થવું મુશ્કેલ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

કાવરા ગામના પાદરે આવેલી પાણીની ટાંકી પાસે છેલ્લા કેટલાક સમયથી ગામ લોકોને દારૂની ખાલી બોટલો મળી આવતી હતી. જે સ્થળે સ્વચ્છતા હોવી જોઈએ, ત્યાં દારૂની બોટલો જોઈને જાગૃત નાગરિકોને શંકા ગઈ. ગ્રામજનોએ આ બાબતે ખાનગીમાં વોચ ગોઠવી હતી, જેમાં શંકાની સોય સીધી પાણી પુરવઠાની ઓરડી તરફ સ્થિર થઈ હતી.

શનિવારે ગ્રામજનોએ એકઠા થઈને જ્યારે પાણીની ઓરડીની તપાસ કરી, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. જે ઓરડીમાંથી ગામના નળમાં પાણી છોડવામાં આવે છે, તેને બુટલેગરોએ દારૂના ગોડાઉનમાં ફેરવી દીધી હતી. અંદર વિદેશી દારૂનો જથ્થો જોઈ રોષે ભરાયેલા ગ્રામજનોએ તાત્કાલિક કરલી પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા જોઈ કરલી પોલીસનો કાફલો તાબડતોબ કાવરા ગામે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ. 12,145 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ જથ્થો જપ્ત કરી ગુનો નોંધ્યો છે.

આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સરકારી પાણીની ઓરડીની ચાવી કોની પાસે રહેતી હતી? શું કોઈ સરકારી કર્મચારી કે પંચાયતના માણસની મિલીભગત હતી? કોના ઈશારે જાહેર મિલકતનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિ માટે થયો?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments