ભુજમાં વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે PGVCLએ મેગા ડિસકનેક્શન ડ્રાઈવ’ શરૂ કરી છે, ભુજમાં જ ગ્રાહકો પાસે કુલ 4.67 કરોડ જેટલી રકમનું વીજ બિલ લેણું બાકી નીકળે છે.
કચ્છના ભુજ સર્કલમાં વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે પીજીવીસીએલ તંત્રએ રણશિંગુ ફૂંક્યું છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરતા તંત્રએ ‘મેગા ડિસકનેક્શન ડ્રાઈવ’ શરૂ કરી છે, જેના કારણે બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પીજીવીસીએલના સત્તાવાર આંકડાઓ મુજબ, માત્ર ભુજ સીટી-1 વિસ્તારમાં જ ગ્રાહકો પાસે કુલ ₹4.67 કરોડ જેટલી માતબર રકમનું વીજ બિલ લેણું બાકી નીકળે છે. વારંવારની સૂચના અને નોટિસ આપવા છતાં રકમ જમા ન કરાવતા આખરે તંત્રએ કડક પાવર કટની કામગીરી હાથ ધરી છે.

ભુજ સર્કલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં 110 જેટલા વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે.આ ઝુંબેશમાં રહેણાંક મકાનોની સાથે સાથે વ્યાપારી એકમોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમની પાસે મોટી રકમના બિલ બાકી છે.પીજીવીસીએલની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જઈને બાકીદારોના કનેક્શન કાપવાની કામગીરી પોલીસ બંદોબસ્ત અથવા સુરક્ષા તકેદારી સાથે કરવામાં આવી રહી છે.


