વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ આજે (આઠમી ફેબ્રુઆરી) પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ અને ઇલેક્શન કમિશન પર ‘વોટ ચોરી’નો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા દાવો કર્યો છે કે, શહેરના સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ-7નો દુરુપયોગ કરી એક મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે, ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ખોટા વાંધા ઉઠાવીને મતદારોને યાદીમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે. શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ 46,266 મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વોર્ડ નંબર-4ના ભાજપના કાઉન્સિલર અજીત દધીચે ઉઠાવેલા 122 વાંધાઓ વાસ્તવમાં સાચા મતદારોના છે તેવો આરોપ લગાવાયો છે.’

પત્રકાર પરિષદમાં કોંગ્રેસે કેટલીક ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. જેમાં દેવેશ પટેલ નામની વ્યક્તિ પાસે 25 અને સી.એન. માછી પાસે 20 EPIC આઈડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે એક જ વ્યક્તિ પાસે આટલા બધા વોટર આઈડી કાર્ડ કેવી રીતે હોઈ શકે? અને તેમાંના મોટાભાગના નંબર ખોટા હોવાનું પણ બહાર આવ્યું છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને BLO દ્વારા આવા ખોટા વાંધાઓ સ્વીકારવામાં આવ્યા છે. આ ગોટાળો છુપાવવા માટે ડેટા ઓનલાઇન મૂકવામાં આવ્યો નથી. BLO ઇમ્તિયાઝ શેખ જેવા પ્રામાણિક કર્મચારીઓને જો ગેરહાજર દર્શાવી હેરાન કરવામાં આવશે, તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે.વડોદરા શહેર કોંગ્રેસની મુખ્ય માંગ કરી છે કે, ખોટા વાંધા રજૂ કરી લોકશાહી સાથે ચેડાં કરનારા લોકો સામે દેશદ્રોહનો ગુનો નોંધવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં તપાસ વગર સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવા જોઈએ નહીં. સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન કરી જનતા સામે સ્પષ્ટતા કરવી.


