E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : આમોદમાં રખડતા શ્વાનોનો આતંક: 24 કલાકમાં ચાર બાળકો પર હુમલા...

Gujarat : આમોદમાં રખડતા શ્વાનોનો આતંક: 24 કલાકમાં ચાર બાળકો પર હુમલા બાદ તંત્ર હરકતમાં, નગરજનોમાં હજી પણ ભય અને રોષ

આમોદ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનોના વધતા હુમલાઓએ નગરજનોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી છે. 24 કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં રમતા ચાર નિર્દોષ નાના બાળકો પર શ્વાનોએ હુમલો કરતાં તેઓ લોહીલુહાણ બન્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વધુ ગંભીર ઈજાઓ ધરાવતા બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા, જેના કારણે માતા-પિતાઓમાં ગભરાટ ફેલાયો છે અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ઘટનાઓ બાદ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ પહોંચ્યા હતા અને લાંબા સમયથી ચાલી રહેલા શ્વાન આતંક અંગે ઉગ્ર રજૂઆત કરી હતી, રહીશોનું કહેવું છે કે અગાઉથી અનેકવાર રજૂઆતો છતાં અસરકારક અને કાયમી પગલાં લેવામાં આવ્યા નહોતા, જેના કારણે નાના બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે અને તંત્ર સામે અસંતોષ વધ્યો છે.

નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ માહિતી મળતાં જ શ્વાન પકડનાર ટીમને તાત્કાલિક બોલાવી કુલ 11 રખડતા શ્વાનોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં હરખવાના લક્ષણો ધરાવતા બે શ્વાનોને ઓળખી અલગ રાખવામાં આવ્યા છે અને પશુચિકિત્સકની સલાહ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકીના શ્વાનોને નગર બહારના વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. મુખ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું કે શહેરમાં કેટલીક જગ્યાએ લોકો દ્વારા શ્વાનોને ભેગા કરીને ખવડાવવામાં આવતા હોવાના અહેવાલ મળ્યા છે અને જો આવી પ્રવૃત્તિઓના કારણે શ્વાનો આક્રમક બની નાગરિકોને નુકસાન પહોંચાડશે તો સંબંધિત લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને દરબાર રોડ વિસ્તારમાં શ્વાનોને ખવડાવવાના મામલે સંકળાયેલા લોકોને નગરપાલિકામાં બોલાવી ચેતવણી આપવામાં આવશે.

નગરપાલિકાના જણાવ્યા મુજબ શ્વાન નિયંત્રણ માટે વિશેષ ઝોન બનાવવાની તથા સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી ચાલુ છે, નગરજનો માટે હેલ્પલાઈન તથા અધિકારીઓના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે અને શ્વાન પકડનાર ટીમ 24 કલાક તૈયાર હોવાનું જણાવાયું છે. છતાં પણ નગરજનોમાં ભય અને અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે, અનેક વિસ્તારોમાં આજે પણ રાત્રિના સમયે વાહનચાલકો પાછળ શ્વાન દોડતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે, બાળકોને બહાર રમવા ડર લાગે છે અને નાગરિકો અસુરક્ષાની લાગણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી ઘટના બાદ જ હરકતમાં આવે છે? નગરજનોની માંગ છે કે માત્ર તાત્કાલિક કાર્યવાહી પૂરતી નથી, પરંતુ લાંબા ગાળાનું આયોજન, રસીકરણ, નિયંત્રણ, તાલીમપ્રાપ્ત સ્ટાફ અને સતત મોનિટરિંગ દ્વારા શહેરને રખડતા શ્વાનોના આતંકમાંથી કાયમી મુક્તિ અપાવવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ફરી ન બને.

Reporter : સૈફ અલી ભટ્ટી વાગરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments