E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને...

National : રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી

લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માર્શલ આર્ટના ઉદાહરણથી શરૂઆત કરતા કહ્યું કે, લડાઈ પકડ(ગ્રીપ)થી શરૂ થાય છે અને પછી ‘ચોક'(ગળું દબાવવા) સુધી પહોંચે છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે ભારત હાલમાં એક ખતરનાક અને અનિશ્ચિત વિશ્વમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકારને ઘેરતા કહ્યું કે અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? અમારું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે મોદી સરકારે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનું ટેરિફ ત્રણ ટકાથી વધારીને 18 ટકા કરી દીધું છે. પીએમ મોદી હવે ડરી રહ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. આ સાથે રાહુલે અદાણીનું નામ લીધું. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોઈ સાધારણ બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે. તેનો ટારગેટ પીએમ છે અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાયનાન્શિયલ સ્ટ્રક્ચર છે. રાહુલે આ દરમિયાન અનિલ અંબાણીનું નામ પણ લઈને કહ્યું કે તેઓ જેલમાં કેમ નથી? તેનું પણ કારણ છે એપસ્ટિન ફાઈલ. હરદીપ સિંહ પુરી મંત્રી છે. તે આ ગૃહના સભ્ય છે. તેના પર રિજિજુએ વાંધો ઊઠાવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે તમામ ડેટા હેન્ડ ઓવર કરી દીધો છે. આપણા ખેડૂતોને અમેરિકાના ખેડૂતો સામે સરન્ડર કરાવી દીધું. જે કંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે.

બેન્ચે રાહુલ ગાંધીને ટોકતા કહ્યું કે તમે વાયદો કર્યો હતો કે કોઈ મંત્રીનું નામ નહીં લો પણ તમે વારંવાર લઇ રહ્યા છો. આ ચેરની અવગણના છે. આ વિપક્ષના નેતા તરીકે યોગ્ય વર્તન નથી. તમારે નિયમ પ્રમાણે જ બોલવું પડશે.

રાહુલ ગાંધીની સ્પીચ બાદ લોકસભામાંથી વિપક્ષે વૉકઆઉટ કરી દીધું હતું. તેના વિશે કટાક્ષ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ગ્રિપની વાત કરી રહ્યા હતા. ગ્રિપ બતાવી જતા રહ્યા. આજે પહેલા જ જતા રહ્યા. ઠાકુરે કહ્યું કે આ વખતના બજેટ માટે હું નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરું છું જેમણે દેશના કરોડો નાગરિકોને સ્મિત કરવાની તક આપી.

રાહુલ ગાંધીએ ડેટાના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, ‘આજે ડેટા સૌથી મોટી સંપત્તિ છે અને તે AI માટે પેટ્રોલ સમાન છે. અમેરિકાને પોતાનું સુપરપાવર સ્ટેટસ અને ડોલરનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય ડેટાની સખત જરૂર છે. જો વિપક્ષ સત્તામાં હોત અને ટ્રમ્પ સાથે નેગોશિયેટ(વાટાઘાટો) કરતું હોત, તો સૌથી પહેલી શરત ભારતના ડેટાની સુરક્ષાની હોત.’ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘અમે એવી રીતે ડીલ ન કરત કે જાણે આપણે તમારા સેવક હોઈએ.’

સરકારના બજેટની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજના સમયમાં ડોલર અને એનર્જીનું ‘વેપનાઇઝેશન'(હથિયાર તરીકે ઉપયોગ) થઈ રહ્યું છે, પરંતુ બજેટમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. જો ભારત ડીલ કરતું હોય તો તેમાં ત્રણ બાબતો મુખ્ય હોવી જોઈએ…

ડેટા સિક્યુરિટી: ભારતીય ડેટાનો ઉપયોગ ભારતના હિતમાં થાય.

એનર્જી સિક્યુરિટી: દેશની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત રહે.

કૃષિ સુરક્ષા: ખેડૂતોના વોટ બેઝ અને તેમના હિતોનું રક્ષણ થાય.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભારતની સરખામણી પાકિસ્તાન સાથે ન થઈ શકે. ભારતની શક્તિ તેનો ડેટા અને તેના લોકો છે. તેમણે ગાઝા અને ઈઝરાયલના યુદ્ધનો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે જૂની સિસ્ટમો બદલાઈ રહી છે અને ભારતે તેની સુરક્ષા માટે ટેકનોલોજી અને ડેટા પર મજબૂત પકડ બનાવવી પડશે. જોકે એ વાતનો અફસોસ છે કે સરકારની હાલની નીતિઓમાં આ દૂરદર્શિતાનો અભાવ દેખાઈ રહ્યો છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments