સુરેન્દ્રનગરના લખતરના દેવરીયા ગામે જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન હથિયારો ઉછળ્યા અને કાર ચઢાવવાનો પ્રયાસ થયો હતો. પોલીસે આ મામલે બે ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવરીયા ગામમાં એક જ સમાજના બે પરિવારો સામસામે આવી જતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ક્ષુલ્લક બાબતે શરૂ થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક યુવકે લોકોના ટોળા પર કાર ચઢાવી દેવાનો ભયાનક પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, દેવરીયા ગામમાં એક યુવક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. જ્યારે ગામના લોકો અને અન્ય પરિવારના સભ્યો તેને સમજાવવા ગયા ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે મારી નાખવાના ઇરાદે લોકોના ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ધારિયા અને બેટ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ લોહીયાળ સંઘર્ષમાં યશપાલસિંહ રાણા અને જગદીશસિંહ રાણા નામના બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલાની આ ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
સમગ્ર મામલે લખતર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહ રાણા અને અજયસિંહ રાણા નામના બે ભાઈઓ સામે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તેમજ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવી છે.


