E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે કર્યો આપઘાત,...

Surat : ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે કર્યો આપઘાત, પૂર્વ પતિના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ

સુરતના ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક 26 વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના વ્હાલસોયા 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કર્યું છે. આ કરુણ ઘટના પાછળ પૂર્વ પતિ દ્વારા અપાતો માનસિક ત્રાસ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ઉમરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પૂનમ શાહના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. તેને 4 વર્ષનો પુત્ર શિવાય હતો, જે તેની સાથે જ રહેતો હતો. મહિલાએ પહેલા પોતાના માસૂમ પુત્ર શિવાયને ગળેફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ તે જ પંખે લટકીને જીવન ટૂંકાવી દીધું હતું.

આત્મહત્યાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પૂનમના પરિવારજનોએ તેના પૂર્વ પતિ કરણ શાહ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, છૂટાછેડા પછી પણ કરણ પૂનમને સતત કનડગત કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. આ સતત વધતા ત્રાસથી કંટાળીને આખરે પૂનમે આ કરુણ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ હવે પરિવારના નિવેદનો અને પૂનમના મોબાઈલ રેકોર્ડ્સના આધારે તપાસ કરી રહી છે કે શું ખરેખર પૂર્વ પતિના ત્રાસને કારણે જ આ બે જિંદગીઓ હોમાઈ છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments