જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના પાવન પર્વ પર આહવાન અખાડા દ્વારા દૂધ-ડ્રાયફ્રૂટ મિશ્રિત ભાંગ તૈયાર કરાઈ છે. સાધુઓએ નશા માટે ભાંગ ટાળવા કરી અપીલ છે.
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભક્તિ અને શક્તિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. શિવાલયોમાં ભોળાનાથને અત્યંત પ્રિય એવી ભાંગનો વિશેષ પ્રસાદ ધરાવવાની પરંપરા આજે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. ખાસ કરીને ભવનાથના પ્રસિદ્ધ આહવાન અખાડા ખાતે વિશેષ દૂધ અને ડ્રાયફ્રૂટ મિશ્રિત ભાંગ તૈયાર કરી મહાદેવને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું હતું.

પૌરાણિક માન્યતા મુજબ, સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હળાહળ વિષનું પાન કર્યા બાદ મહાદેવના કંઠ અને શરીરમાં અસહ્ય અગ્નિ ઉત્પન્ન થઈ હતી. આ અગ્નિ અને વિષની જ્વાળાઓને શાંત કરવા માટે દેવોએ મહાદેવને ભાંગ અને શીતળ દ્રવ્યો અર્પણ કર્યા હતા. આ પરંપરાને જાળવી રાખવા માટે આજે પણ ભક્તો દ્વારા દૂધ, વરિયાળી, કાજુ, બદામ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ મેળવીને ઉત્તમ ગુણવત્તાયુક્ત ભાંગ તૈયાર કરવામાં આવે છે.
ભાંગના પ્રસાદ બાદ સમગ્ર તળેટીમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ પવિત્ર પ્રસાદનો લાભ લીધો હતો. જોકે, આ પ્રસંગે સાધુ-સંતોએ એક મહત્વનો સંદેશ પણ આપ્યો હતો. સંતોએ અનુરોધ કર્યો હતો કે, ભાંગ એ મહાદેવની પ્રસાદી અને એક ઔષધિ સમાન છે, તેને ક્યારેય નશાના હેતુથી પીવી જોઈએ નહીં. નશા માટે ભાંગનો દુરૂપયોગ એ શિવ ભક્તિનું અપમાન છે.


