E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી...

Ahmedabad : અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવાહી

અમદાવાદમાં પર્યાવરણની જાળવણી અને ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન કરવા માટે AMCની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડક ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. હવે માત્ર ફેરિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો અને મોટા વેપારીઓ સામે પણ આકરી કાર્યવાહી થશે.

દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી થશે

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુ ઠાકોરના જણાવ્યા મુજબ, ‘ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમે ફેરિયાઓ અને શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ફેરિયાઓ પાસે પ્રથમ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 1000 રૂપિયા, બીજી વખત 3000 રૂપિયા અને ત્રીજી વખત પકડાય તો 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, અમે નિયમોમાં એક મોટો સુધારો કરવા જઈ રહ્યા છીએ કે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં જે પણ કંપનીઓ કે ફેક્ટરીઓ આવું પ્લાસ્ટિક બનાવતી પકડાશે, તેને 15 દિવસ માટે સીલ કરવામાં આવશે. તે જ રીતે, જો કોઈ રીટેલ વેપારી 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે પકડાશે, તો તેની દુકાન પણ 10 દિવસ માટે સીલ કરવામાં આવશે અને નિયમ અનુસાર પેનલ્ટી વસૂલવામાં આવશે’

કયા પ્રકારની પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ?

‘તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ – 2016 મુજબ 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે 60 ગ્રામ પર સ્કવેર મીટર(GSM)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.’

પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ માટે ફેરિયા-વેપારીને કેટલો દંડ?

-પ્રથમ વખત નિયમ ભંગ: 1 હજાર રૂપિયા

-બીજી વખત નિયમ ભંગ: 3 હજાર રૂપિયા

-ત્રીજી વખત નિયમ ભંગ: 5 હજાર રૂપિયા

ફેક્ટરી 15 દિવસ સુધી લાગશે તાળાં

-કોઈ ફેક્ટરી શહેરમાંથી ઝડપાય તો તે 15 દિવસ સુધી સીલ તથા નિયમ મુજબ પેનલ્ટી

-કોઈ દુકાનદાર કે હોલસેલ વેપારી પાસેથી 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાશે તો દસ દિવસ સુધી દુકાન અથવા ગોડાઉન સીલ તથા નિયમ મુજબ પેનલ્ટી

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ચેરમેને જણાવ્યું હતું કે, ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, નાગરિકોની સુવિધા માટે અમે હડકવાની રસી બાબતે પણ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી જ્યારે કોઈ નાગરિકને કૂતરું કરડે, ત્યારે જે પ્રથમ ડોઝ 24 કલાકની અંદર લેવો અત્યંત જરૂરી હોય છે, તે અમદાવાદ મહાનગરપાલિકાના તમામે તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સેવા આજથી જ તમામ કેન્દ્રો પર શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને નાગરિકોને તાત્કાલિક અને પ્રાથમિક સારવાર મેળવવા માટે દૂર ન જવું પડે અને તેમને સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments