આરોપી દિનેશ મીણા તેના મિત્રો કમલેશ કલાસુવા અને ઈશ્વર કલાસુવા સાથે બાઈક પર રેકી કરી હતી. રાત્રીમાં સમયે ઘરના ધાબા ઉપરથી વેન્ટીલેશન બારીના કાચ ખોલી ઘરની અંદર પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
અમદાવાદના ઘાટલોડિયામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો ભેદ ઝોન 1 LCBએ ઉકેલી કાઢ્યો છે. 38 લાખના ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ટોળકી બાઈક પર ચોરી કરવા રાજસ્થાનથી અમદાવાદ આવીને ચોરીને અંજામ આપતી હતી. પોલીસે 200થી વધુ CCTV ચેક કરીને ચોરીનો ભેદ ઉકેલ્યો છે. મહત્વનું છે કે ચૂંટણી માટે રુપિયાની જરુર હોવાથી ચોરીને અંજામ આપ્યો હતો. કોણ છે આ ઘરફોડ ચોર? જોઈએ આ અહેવાલમાં.
આરોપી દિનેશ મીણાની ઘરફોડ ચોરી કેસમાં ઝોન 1 LCBની ટીમે ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી નિકિતા પાર્ક સોસાયટીમાં મકાન માલિક 22થી 30 જાન્યુઆરી દરમિયાન બહારગામ ગયા હોવાથી મકાન બંધ હતું. ત્યારે આરોપી દિનેશ મીણા તેના મિત્રો કમલેશ કલાસુવા અને ઈશ્વર કલાસુવા સાથે બાઈક પર રેકી કરી હતી. રાત્રીમાં સમયે ઘરના ધાબા ઉપરથી વેન્ટીલેશન બારીના કાચ ખોલી ઘરની અંદર પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

મકાન માલિક ઘરે પરત ફરતા ઘરમાંથી દાગીના અને કિંમતી સામાન ચોરી થયાનું ધ્યાન પર આવ્યું. ત્યારબાદ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ચોરીને લઈને ઝોન 1 LCBની ટીમે 200થી વધુ CCTV ચેક કર્યા હતા. જેમાં એક આરોપી ચોરીનો મુદ્દામાલ વેચવા ફરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દિનેશ મીણાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપી દિનેશ મીણા મૂળ રાજસ્થાનના ડુંગરપુરાના કલાસુવા ગામનો રહેવાસી છે. વોન્ટેડ આરોપી કમલેશ અને ઈશ્વર પણ તે ગામના રહેવાસી છે. આરોપીઓના ગામમાં સરપંચની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં સામા પક્ષના ઉમેદવારને હરાવવા માટે પૈસાની જરૂરિયાત હતી. ચૂંટણીના ખર્ચને પહોંચી વળવા માટે આરોપીઓ ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને બાઈક પર દિનેશ તેના બે મિત્રોને લઈને અમદાવાદ આવ્યો હતો. બે દિવસ સુધી બંધ મકાનની રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી કમલેશ અગાઉ પણ પાંચ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આરોપીઓ બંધ મકાનની રેકી કરી ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.
આરોપીઓ ચોરીનો માલ વેચીને ત્રણેય વચ્ચે પૈસા વહેંચવાનો ખુલાસો કર્યો છે. ઝોન 1 LCBએ સોના ચાંદી ના દાગીના સહિત 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ઘાટલોડિયા પોલીસે આરોપીને સોંપ્યો છે. જ્યારે ચોરી કેસમાં ફરાર બે આરોપી કમલેશ અને ઈશ્વરની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.


