બોલિવૂડ અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ પરવાનગી વિના નામ, અવાજ અને તેમના પ્રખ્યાત ‘ખામોશ’ ડાયલોગના વ્યાપારી ઉપયોગ સામે તેમણે વાંધો ઉઠાવતા પર્સનાલિટી રાઈટ્સ માટે બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જૂના ગીતો, જૂના ડાયલોગ્સ આજે પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. કલાકારોની બોલવાની સ્ટાઈલ તેમની પંચલાઈન અનેક શોમાં આકર્ષણ જમાવે છે. દરમિયાન કલાકારો પણ હવે તેમના વ્યક્તિગત અધિકારોને લઈને જાગૃત બન્યા છે. અમિતાભ, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી બાદ હવે શત્રુઘ્ન સિન્હાએ પણ કોર્ટના દરવાજા ખખડાવ્યા. પરવાનગી વિના નામ, અવાજ અને ‘ખામોશ’ સ્ટાઇલનો ઉપયોગ કરનારા પર અભિનેતા શત્રુઘ્ન સિન્હા લાલઘૂમ થયા. શત્રુઘ્ન સિન્હાએ વ્યક્તિગત અધિકારીઓને લઈને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. આ અરજીમાં અભિનેતાએ તેમની સ્ટાઈલ, નામના વ્યાપારી ઉપયોગ પર રોક લગાવાની મંજૂરી માંગી.

બોલિવૂડ અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ પર્સનાલિટી રાઈટ્સ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. 79 વર્ષીય પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ વ્યક્તિગત અધિકારો પર કરેલ અરજી પર દલીલ કરતાં કહ્યું કે તેમણે બહુ મહેનત કરી પોતાની ખાસ ઓળખ બનાવી છે. ઇન્ડસ્ટ્રીમાં આટલા દાયકા સુધી પોતાની બ્રાન્ડ વેલ્યુ બનાવવા કઠિન સંઘર્ષ કર્યો છે. તેમનું વ્યક્તિત્વ, અવાજ, શૈલી અને વાતચીત શૈલી તેમની બૌદ્ધિક સંપત્તિનો ભાગ છે. પોતાની આ જ ખાસ શૈલી તેમની બ્રાન્ડ વેલ્યુ છે જેનો આજકાલ લોકો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેમની શૈલીનો પરવાનગી વિના તેનો ઉપયોગ કરવાથી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે અને તેમને નાણાકીય અને પ્રતિષ્ઠા બંનેને નુકસાન થઈ રહ્યું છે.
શત્રુઘ્ન સિંહાએ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે ઘણી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરવાનગી વિના તેમના નામ, છબી, અવાજ અને તેમની પ્રખ્યાત શૈલીનો ઉપયોગ કરી રહ્યા છે. આ કેસની સુનાવણી સોમવારના રોજ કરવામાં આવી. જેમાં અભિનેતાએ પરવાનગી વિના વ્યાપારી હેતુઓ માટે તેમની સિગ્નેચર પંચલાઇન, “ખામોશ” ના ઉપયોગ પર પ્રતિબંધની માગ કરી હતી. ન્યાયાધીશ શર્મિલા દેશમુખની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. કોર્ટે પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાને રાહત આપતા તેમની વિનંતી પર પોતાનો આદેશ અનામત રાખ્યો.


