અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારના પ્રેમચંદનગરમાં પેઈંગ ગેસ્ટ (PG) સંચાલકો અને સ્થાનિક રહીશો વચ્ચેનો ગજગ્રાહ હવે ઉગ્ર બન્યો છે. AMC દ્વારા મારવામાં આવેલા સીલ તોડવાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે હંગામો મચ્યો છે.
પ્રેમચંદનગર સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલો PGનો વિવાદ આજે રસ્તા પર આવી ગયો હતો. શાંત રહેણાંક વિસ્તારમાં પીજી સંચાલકોની કથિત મનમાની સામે રહીશોએ એકઠા થઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો આરોપ છે કે PGમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ન્યૂસન્સ (અડચણ) ઊભું કરવામાં આવે છે.

રહીશોની માંગ છે કે AMC આ મામલે કડક કાર્યવાહી કરી કાયમી ધોરણે PG ખાલી કરાવે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે કોર્પોરેશન દ્વારા મકાનોને સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ સંચાલકોએ કોઈ પણ કાયદેસરની મંજૂરી વગર આ સીલ તોડીને અંદર પ્રવેશ કર્યો છે. સોસાયટીના રહીશોએ એકઠા થઈને ઢોલ વગાડી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને PG મુક્ત સોસાયટીની માંગ દોહરાવી હતી.
સામે પક્ષે PG સંચાલકોએ સ્થાનિકોના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે: “અમે AMC ની યોગ્ય મંજૂરી લીધા બાદ જ મકાનમાં પ્રવેશ કર્યો છે. અમને માલ-સામાનની હેરફેર કે અન્ય વ્યવસ્થા માટે તંત્ર દ્વારા 3 દિવસની મુદત આપવામાં આવી છે.” સ્થાનિકો હવે આરપારના મૂડમાં છે. તેઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારની શાંતિ ભંગ કરનારા આવા પીજી સંચાલકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સખત હાથે કામ લે અને રહેણાંક સોસાયટીઓમાં વ્યાવસાયિક રીતે ચાલતા PG એકમોને કાયમી તાળા મારે.


