ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ઘરે મોટા ભાઈના લગ્નનો મંગળ અવસર હતો, પરંતુ વિધિની વક્રતા જુઓ કે વરરાજાનો નાનો ભાઈ કાળનો કોળિયો બની ગયો. આ અકસ્માતે લગ્નની શરણાઈના સૂરને માતમમાં ફેરવી નાખ્યો છે.
જંબુસરના વાવલી ગામે ઠાકોર પરિવારમાં મોટા પુત્રના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન પ્રસંગ હોવાથી ફૂલ-હારની ખરીદી માટે વરરાજાનો નાનો ભાઈ દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર બાઈક લઈને જંબુસર આવ્યો હતો. પરત ફરતી વખતે કાળમુખા અકસ્માતે તેની જિંદગી છીનવી લીધી. જંબુસર-પાદરા રોડ પર આવેલા વાઈટ ડાયમંડ નજીક અકસ્માત સર્જાયો હતો.

દેવાંશભાઈની બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે દેવાંશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે ઘરેથી વરઘોડો નીકળવાનો હતો, ત્યાં પુત્રનો મૃતદેહ પહોંચતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતા-પિતા અને વરરાજા ભાઈ પર આભ ફાટી પડ્યું છે. ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પોલીસે આઈસર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્નના માહોલમાં આ પ્રકારની દુર્ઘટનાએ માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. ટ્રાફિકના નિયમોનું પાલન અને સાવચેતીભર્યું ડ્રાઇવિંગ કેટલું અનિવાર્ય છે તે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે.


