E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો,...

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્ય

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ અબુ ધાબીથી આવેલા એક ભારતીય મુસાફરના પેટમાંથી લાખોની કિંમતનું સોનું ઝડપી પાડીને સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ઘટનાની વિગતો મુજબ, 19 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઈટ (નંબર 3L 111) દ્વારા અમદાવાદ ઉતરેલા ‘શાહરુખ’ નામના મુસાફર પર કસ્ટમ્સને શંકા ગઈ હતી. ‘APIS પ્રોફાઇલિંગ’ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ તેને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ, કડક પૂછપરછ સામે મુસાફરે કબૂલાત કરી હતી કે તેણે પોતાના શરીરમાં સોનાની કેપ્સ્યુલ્સ ગળીને છુપાવી છે.

આરોપીની કબૂલાત બાદ કસ્ટમ્સ વિભાગે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસેથી જરૂરી મંજૂરી મેળવી હતી. ત્યારબાદ મુસાફરને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેડિકલ તપાસ અને એક્સ-રે રિપોર્ટમાં તેના પેટમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની પુષ્ટિ થઈ હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ મુસાફરના શરીરમાંથી કુલ 4 શંકાસ્પદ ગોળાઓ બહાર કાઢવામાં આવ્યા હતા.

સરકારી મૂલ્યાંકનકાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, રિકવર કરાયેલી વસ્તુઓમાંથી 3 પીળા રંગની નળાકાર કેપ્સ્યુલ્સમાં 24 કેરેટ શુદ્ધ સોનું હતું, જેનું કુલ વજન 135.200 ગ્રામ નોંધાયું છે. જ્યારે ચોથી વસ્તુ લોખંડનો ગોળો હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 21,89,564/- આંકવામાં આવી છે.

કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ કલમો હેઠળ આ સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે. મુસાફર શાહરુખની ધરપકડ કરવામાં આવી છે અને આ દાણચોરી પાછળ અન્ય કોઈ મોટી ગેંગ સંકળાયેલી છે કે કેમ તે અંગે એર ઇન્ટેલિજન્સ યુનિટ વધુ તપાસ ચલાવી રહ્યું છે. એરપોર્ટ પર સુરક્ષા અને ચેકિંગ કડક હોવા છતાં, દાણચોરો દ્વારા અપનાવવામાં આવતી આવી જીવલેણ પદ્ધતિઓએ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments