E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં...

National : મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા

85 વર્ષીય શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી ખાંસી અને ગળામાં ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા. શનિવારે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે આરામ કરી રહ્યા હતા, પરંતુ રવિવારે સવારે તેમને ભારે અશક્તિ અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ જણાતા ડૉક્ટરોની સલાહ મુજબ ફરીથી દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. સુપ્રિયા સુલેએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ફોલો-અપ ટેસ્ટ અને હાઈડ્રેશન માટે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

શરદ પવારને ગયા અઠવાડિયે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. પાંચ દિવસના એન્ટિબાયોટિક કોર્સ બાદ તેમને રજા અપાઈ હતી અને 3-4 દિવસ સંપૂર્ણ આરામની સૂચના અપાઈ હતી. જોકે, તેમની તબિયત સુધરવાને બદલે વધુ અશક્તિ આવતા ફરી સારવાર શરૂ કરવી પડી છે. ડૉક્ટરોના મતે, તેમની વધતી ઉંમર અને ઈન્ફેક્શનને કારણે આ સમસ્યા થઈ રહી છે.

નોંધનીય છે કે, પવાર પરિવાર પર તાજેતરમાં આવેલા દુઃખની પણ વરિષ્ઠ નેતાના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. જાન્યુઆરીના અંતમાં એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને તેમના ભત્રીજા અજિત પવારના અકાળે અવસાન બાદ શરદ પવાર બારામતીમાં પરિવારને સંભાળવામાં વ્યસ્ત હતા. આ દુઃખદ ઘટના અને સતત દોડધામ તેમજ માનસિક તણાવને કારણે તેમની તબિયત બગડી હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ ડૉક્ટરો તેમને વિશેષ દેખરેખ હેઠળ રાખી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments