વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય સેવા અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરુઆત કરશે અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન સવારે અંદાજે 11:30 વાગ્યે રાજસ્થાનના અજમેર પહોંચશે, જ્યાં તેઓ ₹16,680 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રવાસની સૌથી મહત્ત્વની કડી 14 વર્ષની કિશોરીઓ માટે ‘હ્યુમન પેપિલોમાવાયરસ'(HPV) રસીકરણ અભિયાન છે. આ રસી મહિલાઓમાં થતાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ ઉપરાંત, પીએમ મોદી રાજ્યના 21,800થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરશે.

બપોરે અંદાજે 3:45 વાગ્યે વડાપ્રધાન ગુજરાતના સાણંદ ખાતે પહોંચશે. અહીં તેઓ ‘માઇક્રોન સેમિકન્ડક્ટર ટૅક્નોલૉજી ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડ’ના સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ(ATMP) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ₹22,500 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન અપાવશે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ પણ શરુ થઈ ગયું છે.
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન(ISM) હેઠળ મંજૂર થયેલો આ પહેલો પ્રોજેક્ટ છે, જેનું શિલાન્યાસ સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. માત્ર ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરીને ઉત્પાદન શરુ કરવું એ ભારતની બદલાતી કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક રોકાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદીના આ પ્રવાસથી ગુજરાતમાં રોજગારીની નવી તકોની સાથે હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મોટી તેજી આવવાની અપેક્ષા છે.


