અમદાવાદ શહેરમાં આગામી હોળી-ધુળેટી અને રમઝાન માસના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝોન 5 અને ઝોન 6 વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો અને મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં શાંતિ જળવાય તેમજ ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે માટે 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ઝોન-5 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા હિન્દુ-મુસ્લિમ વસ્તી ધરાવતા મિશ્ર વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ મેદાને ઉતર્યા હતા. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હિસ્ટ્રીશીટરો અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે. આ દરમિયાન રબારી કોલોની ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયમ વિરુદ્ધ કારના કાચ પર લાગેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવી હતી.

અમદાવાદ ઝોન 6 પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીની મુખ્ય વિશેષતા ટૅક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ છે, જેમાં ખાસ કરીને ભીડભાડવાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર નજર રાખવા માટે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રમઝાનની રાત્રે ધમધમતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 2 PI અને 5 PSI સહિતના વિશાળ પોલીસ કાફલાએ ફિલ્ડ પર ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. આધુનિક ડ્રોન ટૅક્નોલૉજીની મદદથી પોલીસ હવે માનવ આંખ પહોંચી ન શકે તેવા સંવેદનશીલ સ્થળોએ પણ બાજ નજર રાખી રહી છે, જેથી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે.


