E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeTop NewsTop News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા...

Top News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ

ગુજરાતની સ્કૂલો, પોસ્ટ ઓફિસ અને વિવિધ કોર્ટને મેઈલ કરીને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો શખસ આખરે ઝડપાઈ ગયો છે. આ સંવેદનશીલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી પહેલી ધરપકડ કરી છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેઈલ કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે પોલીસે આ કેસના મુખ્ય આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લીધો છે. શહેરમાં ભયનો માહોલ ઉભો કરનારા આ ઈમેઈલ ક્યાંથી અને કોણે કર્યા હતા, તે દિશામાં ચાલી રહેલી તપાસમાં આ પ્રથમ મહત્વની ધરપકડ માનવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપીને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી આ ગુના પાછળના અન્ય હેતુઓ અને સાથીદારો વિશે વધુ ખુલાસો થઈ શકે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં 27મી ફેબ્રુઆરીએ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી.

ધમકીવાળા ઇમેઇલ શા માટે મોકલવામાં આવે છે?

શાળા, સરકારી કચેરીઓ અને એરપોર્ટને બોમ્બ ધમકીવાળા ઇમેઇલ શા માટે મોકલવામાં આવે છે, સાયબર એક્સપર્ટના મતે આવા ધમકીભર્યા ઇમેઇલ મોકલવાના મુખ્ય બે પ્રકારના હેતુ છે.

  1. ડર અને ગભરાટ ફેલાવવો:

સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર ડર છે. એક ખોટી ધમકીથી શાળા ખાલી કરાવવી પડે,એરપોર્ટ બંધ થાય,ઓફિસનું કામ અટકી જાય,જનતામાં ભય અને અફરાતફરી ફેલાય.

  1. સુરક્ષા વ્યવસ્થાની પરીક્ષા કરવી:

આવા ઇમેઇલથી અપરાધીઓ એ બાબતને જાણવાની કોશિશ કરે છે,પોલીસ કેટલી ઝડપથી પહોંચે છે,બિલ્ડિંગ કેવી રીતે ખાલી કરાય છે,કઈ કચેરી પહેલાં પ્રતિક્રિયા આપે છે, પરિણામે આ માહિતી ભવિષ્યમાં બીજા ગુનાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

આવી બોમ્બ ધમકીઓ મોટેભાગે શાળાઓ, એરપોર્ટ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને જ લક્ષ્ય બનાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ જગ્યાઓ પર ધમકી આપવાથી સૌથી વધુ અસર થાય છે .આ જગ્યાઓ પર ધમકી મળે તો તરત જ એવેક્યુએશન , તપાસ, બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને ડોગ સ્ક્વોડ આવે છે. શાળામાં બાળકોને ઘરે મોકલવા પડે છે, વાલીઓ ચિંતિત થાય છે, શિક્ષણ અટકી જાય છે. એરપોર્ટ પર ફ્લાઇટ્સ ડિલે થાય છે, ડાયવર્ટ થાય છે કે કેન્સલ થાય છે. સરકારી કચેરીઓમાં કામકાજ બંધ થઈ જાય છે, ટૂંકમાં બધી પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય હેતુ દેશને નુકસાન પહોંચાડવાનો છે.

સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત ઈમેઈલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેઈલ અથવા ટેમ્પરરી ઈમેઈલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે. તેઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના આઈપી એડ્રેસને છુપાવે છે. આઈપી એડ્રેસ એ ડિવાઇસ નું ઓનલાઇન સરનામું છે, જે સ્થાન અને ઓળખ વિશે જણાવે છે. સાયબર ગુનેગારો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ મુખ્યત્વે તેમની ઓળખ તેમજ આઈપી એડ્રેસ છુપાવવા, ઓનલાઇન પ્રવૃત્તિઓને અજ્ઞાત રાખવા અને કાયદાકીય સંસ્થાઓથી બચવા માટે કરે છે. કેટલાક અપરાધીઓ ઈમેઈલ સ્પૂફિંગનો ઉપયોગ કરે છે.

સાયબર અપરાધીઓને ટ્રેસ કરવા માટે પોલીસની સાયબર ક્રાઇમ યુનિટ કામ કરે છે. પહેલા, તેઓ ઈમેઈલના હેડર્સનું વિશ્લેષણ કરે છે. ઈમેઈલ હેડર્સમાં મોકલનારના આઈપી એડ્રેસ, તારીખ અને અન્ય વિગતો હોય છે. જો વીપીએન વપરાયું હોય તો પણ, વીપીએન પ્રોવાઇડર પાસેથી માહિતી મેળવી શકાય છે. પોલીસ ઈમેઈલ પ્રોવાઇડર (જેમ કે ગૂગલ અથવા પ્રોટોન)ને કાનૂની રીતે માહિતી માંગે છે. તેઓ એકાઉન્ટની વિગતો, લોગઇન આઈપી અને અન્ય ડેટા મેળવે છે. જો અપરાધી વિદેશમાં હોય તો, આંતરરાષ્ટ્રીય સહયોગ જેમ કે ઇન્ટરપોલની મદદ લેવામાં આવે છે. ડિજિટલ ફોરેન્સિક્સમાં કમ્પ્યુટર અને મોબાઇલનું વિશ્લેષણ કરીને પુરાવા શોધવામાં આવે છે. કેટલાક કેસમાં, અપરાધીઓની ભૂલો જેમ કે એક જ આઈપીનો વારંવાર ઉપયોગ, તેમને પકડાવી દે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments