E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratAravalli : ધોરણ 11ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે...

Aravalli : ધોરણ 11ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમને દબોચ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી એક યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ ઉઠી છે. ઇસરી પોલીસે આ મામલે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી યુવકે સગીરાને લગ્ન કરી લેવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે વિદ્યાર્થિનીને પટાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. યુવકે સગીરાને પોતાના ઘરે ગોંધી રાખી તેની મરજી વિરૂદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. સગીરાને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી યુવક સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો.

આટલેથી ન અટકતા, આરોપી યુવક થોડા દિવસ સગીરાને પોતાના ઘરે રાખ્યા બાદ તેને તેના બનેવીના ઘરે પણ લઈ ગયો હતો. સગીરા ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી, જેમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હવસખોર યુવકના ચુંગાલમાંથી છૂટેલી પીડિતાએ આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

આ મામલે સગીરાના પરિવાર દ્વારા ઇસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઇસરી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments