રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીને પગલે ફફડાટ ફેલાયો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટને અજાણ્યા શખસ દ્વારા ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ તંત્ર અને બોમ્બ સ્ક્વોડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
મળતી માહિતી અનુસાર, ધમકીભર્યા ઈ-મેઈલની જાણ થતા જ સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોર્ટમાં હાજર તમામ જજ, વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ફ્લોર અને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. નવરંગપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ પરિસરે ખડકી દેવામાં આવ્યો છે અને હાલ કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી.

આ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે ટેકનિકલ સર્વેલન્સના આધારે ધમકી આપનાર અજાણ્યા શખસને ટ્રેસ કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.


