બોટાદ APMCમાં ચણા વેચવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે એક જ દિવસમાં અંદાજે 20,000 મણ ચણાની આવક નોંધાતા યાર્ડમાં ચારે તરફ ચણાની બોરીઓ જ જોવા મળતી હતી.
બોટાદ જિલ્લામાં આ વર્ષે ચણાના પાકનું મબલખ વાવેતર થયું હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ચણાની ભારે આવક કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોટાદ APMC માં ચણા વેચવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે એક જ દિવસમાં અંદાજે 20,000 મણ ચણાની આવક નોંધાતા યાર્ડમાં ચારે તરફ ચણાની બોરીઓ જ જોવા મળતી હતી.

બોટાદ માર્કેટ યાર્ડની બહાર ટ્રેક્ટર, પીકઅપ વાન, છકડા રિક્ષા સહિતના નાના-મોટા 500 થી વધુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પકવેલા પાકના યોગ્ય ભાવ મેળવવા વહેલી સવારથી જ યાર્ડ પર પહોંચી ગયા હતા. જેના કારણે ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવા યાર્ડના સત્તાધિશોએ પણ કવાયત હાથ ધરવી પડી હતી.
આજના વેપારમાં ચણાના ભાવ પ્રતિ 20 કિલો દીઠ 970 રૂપિયાથી લઈને 1030 રૂપિયા સુધી નોંધાયા છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહેતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વર્ષે ચણાનું ઉત્પાદન સારું થયું છે અને ભાવ પણ સંતોષકારક મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે.


