સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ મથક વિસ્તારમાં એક સગીરાના અપહરણ અને ત્યારબાદ તેની પર ગુજારવામાં આવેલા દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને રાજસ્થાનના શિવગંજ ખાતેથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ઈડર તાલુકાના રાવોલ ગામના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. સગીરા અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમણે આ અંગે વડાલી પોલીસ મથકે પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અપહરણ કર્યા બાદ આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ ફેરવતો રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિ કથળી હતી.

વડાલી પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તુરંત જ વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. મોબાઈલ લોકેશન અને સર્વેલન્સની મદદથી પોલીસને જાણ થઈ હતી કે આરોપી સગીરાને લઈને રાજસ્થાન નાસી ગયો છે. જે બાદ પોલીસે ઓપરેશન પાર પાડી રાજસ્થાનના શિવગંજમાંથી આરોપીને દબોચી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી.
વડાલી પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો (POCSO) એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. હાલમાં આરોપીની મેડિકલ તપાસ સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.


