e-PAN Card Scam: ભારત સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(PIB)ના નામે ફરતી એક નકલી ઈમેઇલ વિશે લોકોને ચેતવણી આપી છે. આ છેતરપિંડીવાળો ઈમેઇલ યુઝર્સને “e-PAN કાર્ડ” ડાઉનલોડ કરવા કહે છે. આ દ્વારા સ્કેમર્સ સંવેદનશીલ નાણાકીય માહિતી ચોરી કરવાની કોશિશ કરી રહ્યા છે જેને ફિશિંગ કહેવામાં આવે છે. સરકારે ખાતરી આપી છે કે આ ઈમેઇલ અસલી નથી અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જો કોઈ પણ વ્યક્તિ તેમાં ભેરવાયું તો તેની સાથે નાણાકીય છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.
સરકારે એવા લોકોને ખાસ ચેતવણી આપી છે જેમને e-PAN કાર્ડ ડાઉનલોડ કરવા કહેતી ઈમેઇલ આવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ઈમેઇલ ખોટો છે અને આવા કોઈ સંદેશનો જવાબ ન આપવા પણ સલાહ આપવામાં આવી છે. ફિશિંગ ઈમેઇલનો કેવી રીતે રિપોર્ટ કરવો તેની માહિતી પણ સરકારે શેર કરી છે. આથી યુઝરે જો તેના પર ઈમેઇલ આવે તો તેના પર ક્લિક કરવાની જગ્યાએ સરકાર તરફથી આપવામાં આવેલા આદેશનું પાલન કરવાનું રહેશે.
આ નકલી ઈમેઇલ વિશ્વસનીય દેખાય તે માટે PIBના લોગોનો ઉપયોગ સ્કેમર્સ કરી રહ્યા છે. તેઓ યુઝર્સને ઈલેક્ટ્રોનિક PAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે કહી રહ્યા છે, જે સાયબર ક્રિમિનલ દ્વારા વપરાતી સામાન્ય યુક્તિ છે. એના દ્વારા યુઝર્સ ખતરનાક લિંક પર ક્લિક કરે અથવા મેલવેર ધરાવતી ફાઇલ ડાઉનલોડ કરે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈમેઇલનો હેતુ યુઝર્સ પાસેથી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરવાનો હોય છે.

ઇન્કમ ટેક્સ વિભાગે ફરીથી જણાવ્યું છે કે તેઓ ક્યારેય ઈમેઇલ દ્વારા ગુપ્ત નાણાકીય માહિતી માંગતા નથી. આ સાથે જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ PIN નંબર, પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડ, બૅંક અથવા અન્ય નાણાકીય ખાતાઓની ઍક્સેસ માટેની માહિતી પણ માંગતા ઈમેઇલ નથી મોકલતા. આ વિશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહે છે, ‘ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ દિવસ ઈમેઇલ દ્વારા વિગતવાર અથવા વ્યક્તિગત માહિતી માંગવામાં આવતી નથી. આથી કોઈ પણ યુઝર્સ એ છેતરપિંડીના ભોગ બનવાથી બચીને રહેવું.’
ફિશિંગ સાયબર છેતરપિંડીનો એક પ્રકાર છે જેમાં સ્કેમર્સ વિશ્વસનીય સંસ્થાઓ તરીકે પોતાને રજૂ કરીને યુઝરનેમ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ વિગતો જેવી સંવેદનશીલ માહિતી ચોરી કરે છે. આ હુમલાઓ સામાન્ય રીતે એવા ઈમેઇલ અથવા મેસેજ દ્વારા આવે છે જે કાયદેસર સંસ્થા તરફથી મોકલવામાં આવ્યા હોય એવા લાગે છે. ઘણી વખત યુઝર્સને નકલી વેબસાઇટ પર લઈ જવામાં આવે છે જે ઓફિશિયલ વેબસાઇટ જેવી દેખાય છે, જ્યાં તેઓ પાસેથી અંગત માહિતી દાખલ કરાવી લેવામાં આવે છે.
સરકારે એવા લોકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે જેમને ઇન્કમ ટેક્સ વિભાગના નામે અથવા ટેક્સ સંબંધિત વેબસાઇટ તરફ દોરી જતો શંકાસ્પદ ઈમેઇલ મળે. યુઝર્સને આવા ઈમેઇલનો જવાબ ન આપવા, એટેચમેન્ટ ન ખોલવા અને તેમાંની લિંક પર ક્લિક ન કરવા સલાહ આપવામાં આવી છે કારણ કે તેમાં મેલવેર હોઈ શકે છે. તેમ જ શંકાસ્પદ લિંક્સ બ્રાઉઝરમાં કોપી-પેસ્ટ કરવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તે સાચી લાગતી હોવા છતાં નકલી વેબસાઇટ પર લઈ જઈ શકે છે.
સરકારે શંકાસ્પદ ટેક્સ સંબંધિત ઈમેઇલ મળતાં જ તેને તરત રિપોર્ટ કરવાની અપીલ કરી છે. જો કોઈ ઈમેઇલ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી આવેલું લાગે તો તેને webmanager@incometax.gov.in પર ફોરવર્ડ કરી શકાય છે. આ સાથે જ સરકારે incident@cert-in.org.in (રાષ્ટ્રીય સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ સેન્ટર) પર પણ તેની એક કોપી મોકલવાની વિનંતી કરી છે. ઈમેઇલ અથવા તેની ઇન્ટરનેટ હેડર માહિતી ફોરવર્ડ કર્યા પછી, યુઝર્સે તેને પોતાના ઇનબોક્સમાંથી ડિલીટ કરી દેવું જોઈએ.


