ભારતની ધરતી પર રમાયેલા T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે જીતનો જશ્ન શરૂ થયો, ત્યારે કેમેરાની નજર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પર અટકી ગઈ હતી.
ફાઈનલ મેચમાં જીતની જાહેરાત થતાની સાથે જ હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં દોડી આવી હતી. માહિકાએ હાર્દિકને જોરથી આલિંગન આપ્યું અને તેના પર વહાલ વરસાવ્યું હતું. બંને ભારતીય તિરંગામાં લપેટાઈને મેદાન પર નાચતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તો બંને વિજયની ખુશીમાં સ્ટેજ પર સૂતા અને નિરાંતની ક્ષણો માણતા જોવા મળ્યા હતા, જે જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા બાદ હાર્દિકના જીવનમાં માહિકા શર્માનું આગમન થયું છે. મેચ પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં હાર્દિકે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે માહિકા તેના માટે “નસીબદાર ચાર્મ” સાબિત થઈ છે. તેણે કહ્યું, “જ્યારથી માહિકા મારા જીવનમાં આવી છે, ત્યારથી મારું નસીબ બદલાઈ ગયું છે અને મેદાન પર મારી સફળતાનો સિલસિલો યથાવત છે.” આ આખી ટૂર્નામેન્ટ દરમિયાન માહિકા દરેક મેચમાં હાર્દિકને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં હાજર રહી હતી.
માત્ર અંગત જીવનમાં જ નહીં, પણ મેદાન પર પણ હાર્દિકે આ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી છે. તેણે 9 મેચમાં 160.74ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 217 રન ફટકાર્યા હતા, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરતા તેણે મહત્વની 9 વિકેટ ઝડપી હતી.


