E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratGujarat : આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો

Gujarat : આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો

 કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે થોડા દિવસો પૂર્વે થયેલી હિંસક મારામારીની ઘટનામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને ઘટનાસ્થળે પંચનામા માટે લાવવામાં આવ્યા હતા. આ સમયે આરોપીઓને પોલીસ વાનમાંથી બહાર કાઢવા અને તેમના વરઘોડાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ આંત્રોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો.

આંત્રોલી ગામમાં ગત ૬ માર્ચના રોજ બે પક્ષો વચ્ચે જૂની અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીમાં એક મહિલા અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભોગ બનનાર પક્ષ દ્વારા આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે કુલ ૬ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ બાપ-દીકરાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તપાસ અધિકારીઓ દ્વારા પંચનામું કરવા માટે પોલીસ વાનમાં આંત્રોલી ગામમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે પોલીસની ગાડી આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ફરિયાદી પક્ષના લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા. પોલીસ દ્વારા આરોપીઓને પંચનામું કરવા માટે લાવવામાં તો આવ્યા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેમને સરકારી ગાડીની બહાર કાઢવામાં આવ્યા નહોતા. આરોપીઓ ગાડીની અંદર જ હોવાનું જોઈને હાજર રહેલા ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતા.

સ્થાનિક લોકોએ આરોપીઓને ગાડીમાંથી નીચે ઉતારી તેમનો વરઘોડો કાઢવાની માંગણી કરી હતી. ગ્રામજનોનું કહેવું હતું કે, આરોપીઓએ ગામમાં આતંક મચાવી ગંભીર ગુનો કર્યો છે, તેથી તેમને જાહેરમાં લાવવા જોઈએ. આ માંગણી સંતોષવામાં ન આવતા લોકોના ટોળાએ આંત્રોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી અને આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લીધો હતો.

ગામમાં તંગદિલી વધતા આતરસુંબા પોલીસના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાથી ગામમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. હાલમાં આંત્રોલી ગામમાં પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. પોલીસે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આરોપીઓના વરઘોડાની માંગ પર અડગ રહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે લાંબો સમય સુધી ઘર્ષણ ચાલ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments