બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર 2’ (ધ રીવેન્જ) રિલીઝ થવાને હવે માત્ર નવ દિવસ બાકી છે, પરંતુ ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ અત્યારે આસમાને છે. ફિલ્મની માર્કેટિંગ ટીમે અપનાવેલી એક ખાસ પ્રાઈસિંગ સ્ટ્રેટેજીને કારણે એડવાન્સ બુકિંગના આંકડાઓએ ટ્રેડ એનાલિસ્ટ્સને પણ ચોંકાવી દીધા છે.
નિર્માતાઓએ ભારતીય બજારના દરેક વર્ગને આકર્ષવા માટે ટિકિટના દરોમાં મોટો તફાવત રાખ્યો છે. મુંબઈ જેવા મેટ્રો શહેરોના પ્રીમિયમ મલ્ટિપ્લેક્સમાં એક રિક્લાઇનર સીટનો ભાવ ₹2,900 સુધી પહોંચ્યો છે, જે હાઈ-એન્ડ દર્શકોને આકર્ષે છે. બીજી તરફ, માસ ઓડિયન્સને ખેંચવા માટે દક્ષિણ ભારતના ચેન્નાઈ જેવા શહેરોમાં ટિકિટ માત્ર ₹59 માં પણ ઉપલબ્ધ છે. આ બેવડા મોડેલને કારણે નાના શહેરોથી લઈને મોટા મલ્ટિપ્લેક્સ સુધી દરેક જગ્યાએ ‘હાઉસફુલ’ના પાટિયા જોવા મળી રહ્યા છે.

ભારતીય બજારમાં અત્યાર સુધીમાં પ્રીમિયર શો માટે 2,37,323 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. જેનાથી અંદાજે ₹13.75 કરોડનું ગ્રોસ કલેક્શન થયું છે. જો બ્લોક કરેલી સીટોને પણ ગણતરીમાં લેવામાં આવે, તો આ આંકડો ₹19.46 કરોડની આસપાસ પહોંચે છે. વેપાર નિષ્ણાતોનું માનવું છે કે જે રીતે બુકિંગ વધી રહ્યું છે, તે જોતા આ ફિલ્મ “OG” ના ₹25 કરોડના પેઇડ પ્રીવ્યૂના રેકોર્ડને આસાનીથી તોડી નાખશે.
માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી ધરતી પર પણ રણવીરનો જાદુ માથા ચઢીને બોલી રહ્યો છે. ઉત્તર અમેરિકા (USA) માં જ 557 લોકેશન પર અંદાજે 38,500 ટિકિટો વેચાઈ છે, જેનાથી $618,911 (આશરે ₹5.15 કરોડ) ની કમાણી થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તરે કુલ 2,57,000 થી વધુ ટિકિટો સોલ્ડ આઉટ થઈ છે.


