E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeWorldWorld : 'જહાજ ડૂબાડવામાં મજા આવે છે!', ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું...

World : ‘જહાજ ડૂબાડવામાં મજા આવે છે!’, ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું અટ્ટહાસ્ય, દુનિયા સ્તબ્ધ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘અમેરિકન સૈનિકોને ઈરાની જહાજોને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને ડૂબાડી દેવામાં વધુ મજા આવી રહી છે.’ ટ્રમ્પે દાવો કર્યો કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ ઈરાની નેવીના 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. જ્યારે તેમણે અધિકારીને પૂછ્યું કે આ જહાજોને જપ્ત કેમ ન કર્યા, ત્યારે તેમને જવાબ મળ્યો હતો કે જહાજોને ડૂબાડવું વધુ સુરક્ષિત છે અને તેમાં વધુ આનંદ આવે છે.

જોકે, યુદ્ધ કેટલો સમય ચાલશે તે અંગે ટ્રમ્પના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. એક તરફ તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઈરાનની નેવી અને એરફોર્સ લગભગ ખતમ થઈ ગઈ છે અને યુદ્ધ તેના અંતિમ તબક્કામાં છે, તો બીજી તરફ સાંસદો સામે તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન સંપૂર્ણપણે પરાજિત ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે. અમેરિકા પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણું આગળ હોવા છતાં, ટ્રમ્પે કહ્યું કે હજુ ‘પૂરતી જીત’ મળી નથી.

બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) એ ટ્રમ્પના દાવાઓને ફગાવતા આક્રમક વલણ અપનાવ્યું છે. IRGC એ નિવેદન આપ્યું છે કે યુદ્ધનો અંત ક્યારે આવશે તે તેઓ નક્કી કરશે. એટલું જ નહીં, તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલના હુમલા ચાલુ રહેશે, તો તેઓ આ વિસ્તારમાંથી એક લિટર તેલ પણ બહાર જવા દેશે નહીં. આ ધમકીના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરો બનવાની ભીતિ છે.

વર્તમાન સંઘર્ષને કારણે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ પર અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. વિશ્વના તેલ અને ગેસના કુલ પુરવઠાનો 20% હિસ્સો આ માર્ગે પસાર થાય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ટેન્કરો અટવાઈ પડ્યા છે. ગલ્ફના દેશોમાં સ્ટોરેજ ફૂલ થઈ જવાથી તેલનું ઉત્પાદન પણ રોકવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ આ યુદ્ધ વકર્યું છે, જેમાં ઈઝરાયલ ઈરાનની સત્તા પલટાવવા માંગે છે, જ્યારે અમેરિકાનું લક્ષ્ય ઈરાનના મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને નષ્ટ કરવાનું છે. આ વિવાદાસ્પદ નિવેદનો અને સૈનિકોના મોતના મામલે ટ્રમ્પના હસતા ચહેરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સવાલો ઊભા કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments