હૈદરાબાદથી ફુકેટ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ સમસ્યા સર્જાઇ હતી. વિમાનને ફુકેટ એરપોર્ટ પર હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતુ. એરલાઇનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમસ્યા નોઝ વ્હીલને લગતી હતી. પાયલટ અને ક્રૂની સતર્કતાને કારણે 133 યાત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઇ ન હતી.
આ ઘટના 11 માર્ચના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX938માં બની હતી. જે હૈદરાબાદથી ફુકેટ માટે રવાના થઈ હતી. વિમાનમાં આશરે 133 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી ટેકનિકલ સમસ્યાએ એરપોર્ટ અધિકારીઓ અને મુસાફરો માટે થોડા સમય માટે ચિંતાનું કારણ બન્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે. ફ્લાઇટ IX938 હૈદરાબાદથી સવારે આશરે 6-10 કલાકે ઉડાન ભરી હતી અને લગભગ 11-24 કલાકે ફુકેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. વિમાન ઉતરતાની સાથે જ તેનું નોઝ વ્હીલ તૂટી ગયું. જેના કારણે વિમાન રનવે પર અટવાઈ ગયું અને તેને તરત જ આગળ વધવામાં મુશ્કેલી પડી હતી.

એરપોર્ટ અધિકારીઓ અને ટેકનિકલ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ વિમાનને હેંગરમાં ખેંચી લેવામાં આવ્યું હતું, જ્યાં વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે. વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઘટનાને કારણે ફુકેટ એરપોર્ટ પર કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર, એરપોર્ટનો એકમાત્ર રનવે અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો હતો.


