IPL 2026ની શરૂઆત પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) એ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આરસીબીએ એક વીડિયો શેર કરતા લખ્યું કે, ‘રન મશીન સંપૂર્ણ રીતે તૈયાર છે, ચાલો આઈપીએલ 2026 શરૂ કરીએ.’ ટીમના આ આત્મવિશ્વાસભર્યા મેસેજથી સ્પષ્ટ સંકેત મળે છે કે ફ્રેન્ચાઈઝી આગામી સીઝન માટે સજ્જ છે.

જ્યારે પણ આરસીબી દ્વારા ‘રન મશીન’ શબ્દ વાપરવામાં આવે છે, ત્યારે તેમનો સંકેત ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી તરફ જ હોય છે. 2008થી IPLમાં ડેબ્યૂ કરનાર કોહલી આજે પણ આરસીબીની બેટિંગ લાઇનઅપનો સૌથી મજબૂત સ્તંભ છે. આઈપીએલના ઈતિહાસ પર નજર કરીએ તો, કોહલીએ અત્યાર સુધી 267 મેચમાં 39.54ની એવરેજ અને 132.85ના સ્ટ્રાઈક રેટથી કુલ 8,661 રન બનાવ્યા છે. જેમાં તેણે 8 સેન્ચુરી અને 63 ફિફ્ટી ફટકારી છે, જ્યારે 113 રન તેનો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે.
વિરાટ કોહલીના કરિયરનું સૌથી યાદગાર વર્ષ 2016 રહ્યું છે, જેમાં તેણે માત્ર 16 મેચમાં 973 રન બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો. તે સીઝનમાં તેણે 4 સેન્ચુરી ફટકારી હતી, જે આજે પણ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. કોહલીએ અત્યાર સુધીમાં 771 ચોગ્ગા અને 291 છગ્ગા ફટકારીને મેદાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ જ કારણ છે કે ચાહકો તેને સાચા અર્થમાં ‘રન મશીન’ માને છે.


