દાહોદના રાબડાલ નજીક પલટી ગયેલી ખાનગી બસમાં ગેસ વેલ્ડિંગ દરમિયાન આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો છે.દાહોદ જિલ્લાના રાબડાલ નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની મળતી માહિતી અનુસાર, બુધવારે આ ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટવાને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા નીચે ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. આજે આ પલટી ગયેલી બસને રિપેર કરવા અથવા તેને ખસેડવા માટે ગેસ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગ દરમિયાન તણખો ઝરતા અચાનક આગ ફાટી નીકળી હતી.

ગુરૂવારની બપોરના સમયે જ્યારે વેલ્ડિંગનું કામ ચાલતું હતું, ત્યારે લાગેલી આગે મિનિટોમાં આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. બસમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી. સદનસીબે, આ સમયે બસમાં કોઈ મુસાફરો હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને લોખંડનું માળખું બની ગઈ હતી. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


