વેરાવળના આજેઠાના યુવકે સ્નેપચેટ પર ઓળખાણ બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના દુરૂપયોગ અને શારીરિક શોષણની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સ્નેપચેટ (Snapchat) દ્વારા પરિચયમાં આવેલી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આજેઠા ગામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, વેરાવળના આજેઠા ગામના યુવક અને પીડિત યુવતી વચ્ચે સ્નેપચેટના માધ્યમથી ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ ધીમે-ધીમે મિત્રતામાં પરિણમી હતી. યુવક પર આરોપ છે કે, તેણે યુવતીને વેરાવળની એક ખાનગી હોટલમાં બોલાવી હતી અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ઘટના આટલેથી જ અટકી ન હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપી યુવતીને સાસણ ગીર નજીક આવેલ ‘સ્પ્રિંગ ફિલ્ડ’ નામના ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને જાણ કરશે તો યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
સમગ્ર મામલે પીડિત યુવતીએ હિંમત દાખવી વેરાવળ પોલીસ સ્ટેશનમાં નરાધમ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ, મારપીટ અને ધમકી આપવા બદલ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર હોવાથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તેને ઝડપી લેવા શોધખોળ તેજ કરી છે.


