ભારતમાં આવનાર સમયમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે. સરકાર મોબાઈલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લગાવવાની ફિરાકમાં છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો છે. જે બાદ DoT(ટેલિકોમ્યુનિકેશન વિભાગ)ને કહેવામાં આવ્યું છે કે તે તપાસ કરે કે મોબાઈલ ડેટાના ઉપયોગ પર ટેક્સ લગાવી શકાય કે નહીં, અને જો લગાવી શકાય તો તેનું મોડલ શું હોઈ શકે?
સૂત્ર પ્રમાણે સરકાર જે વિકલ્પને જોઈ રહી છે તેમાં એક GB ડેટા પર 1 રૂપિયો ટેક્સ લાદવામાં આવી શકે છે. જો આવું થશે તો દરેક વખતે કોઈ યુઝર્સ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરશે તો તેના પર વધારાનો ચાર્જ લાગી શકે છે. આ નિર્ણયથી સરકારની તિજોરીમાં તગડી આવક થવાની સંભાવના છે, દાવા પ્રમાણે 1 રૂપિયા પ્રતિ GBની ટેક્સ પદ્ધતિ લાગુ થાય તો સરકારને દર વર્ષે 22,900 રૂપિયાથી વધુનું કમાણી થઈ શકે છે. જો કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, સમગ્ર મોડલ હાલ વિચારધીન છે.

મહત્વનું છે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે કે જ્યાં મોબાઈલ ડેટા ઘણો સસ્તો આપવામાં આવે છે. સસ્તા ઈન્ટરનેટને કારણે ભારતમાં ડેટાનો વપરાશ અતિશય થઈ રહ્યો છે. વીડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને રિલ્સ જોવાને કારણે મોબાઈલ ડેટાનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
એક મહત્વની વાત છે કે હાલમાં મોબાઈલ રિચાર્જ અને પોસ્ટ પેડ બિલ પર 18 ટકા GST લગાવવામાં આવે છે, એટલે કે યુઝર્સ પહેલાથી ટેલિકોમ સર્વિસ પર ટેક્સ આપી રહ્યા છે. જો ભવિષ્યમાં ડેટા પર અલગથી ટેક્સ લગાવવામાં આવશે તો હાલમાં લેવામાં આવતા ચાર્જ સિવાય નવો ચાર્જ હશે. પરંતુ હાલમાં સરકારે DoTને કહ્યું છે કે આ પ્રસ્તાવ પર સંપૂર્ણ રીતે સ્ટડી કરવામાં આવે, તેના ફાયદા અને નુકસાનને સમજવામાં આવે, રિપોર્ટ બાદ જ સરકાર નક્કી કરશે કે ભારતમાં મોબાઈલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લાગશે કે નહીં?


