આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના લીંગડા ગામ પાસે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. કેનાલ નજીક પસાર થઈ રહેલા એક વિશાળ કન્ટેનરના ચાલકે અન્ય એક વાહનને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પાણી ભરેલા કાંસમાં ખાબક્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરેઠના લીંગડા ગામે કેનાલ પાસેના માર્ગ પરથી એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સામેથી આવતા એક ટેમ્પોને બચાવવા જતાં કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારી હતી અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પરિણામે, કન્ટેનર રોડની સાઈડમાં આવેલા પાણીથી ભરેલા ઉંડા કાંસમાં પલટી ખાઈ ગયું હતું.

કન્ટેનર કાંસમાં ખાબકતા મોટો અવાજ થયો હતો, જેને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણી ભરેલા કાંસમાં કન્ટેનર હોવા છતાં, ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ગ્રામજનોએ ડ્રાઈવરને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી.
ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી કન્ટેનરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેનાલ રોડ પર વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.


