ઉધના વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ વધી હતી. આ મામલે ઉધના પોલીસે સઘન તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ અત્યંત ચાલાકીથી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તેઓ ધોળા દિવસે રહેણાંક વિસ્તારોમાં રેકી કરી એવા મકાનો શોધતા હતા જે બંધ હોય. મકાન બંધ હોવાની ખાતરી થતા જ, આરોપીઓ ગણતરીની મિનિટોમાં દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશતા હતા. ઘરમાંથી કિંમતી સામાન અને દાગીના ઉઠાવી તેઓ પળવારમાં પલાયન થઈ જતા હતા.

ઉધના પોલીસની ટીમે બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ અન્ય કેટલીક જગ્યાએ પણ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી છે.


