બોલિવૂડમાં જ્યારે કોમેડી ફિલ્મોની વાત આવે છે, ત્યારે રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીનું નામ સૌથી ઉપર લેવાય છે. અત્યાર સુધીના ચારેય ભાગોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને હવે ‘ગોલમાલ 5’ તૈયાર થઈ રહી છે. આ વખતે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર પણ આ પાગલપંતીમાં જોડાવા જઈ રહ્યા છે.
તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ ફિલ્મનો એક જાહેરાત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં અક્ષય કુમારના ટાલવાળા (Bald) દેખાવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી જ એવી અટકળો તેજ થઈ હતી કે અક્ષય કુમાર આ ફિલ્મમાં કોઈ અતરંગી અને અલગ અંદાજમાં જોવા મળશે. અક્ષયે પોતે પણ આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા બદલ ભારે ખુશી વ્યક્ત કરી છે.
ફિલ્મમાં અક્ષય કુમારની ભૂમિકા વિશે અત્યાર સુધી ઘણી ચર્ચાઓ થઈ છે. તાજેતરના અહેવાલો મુજબ, અક્ષય આ ફિલ્મમાં મુખ્ય હીરો નથી પરંતુ તેનો રોલ અત્યંત પ્રભાવશાળી હશે. અક્ષયે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે, “અજય દેવગણ આ ફિલ્મનો મુખ્ય હીરો છે. હું મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો નથી, પણ મને એ વાતનો આનંદ છે કે રોહિત શેટ્ટીને હું આ ફિલ્મ માટે યોગ્ય લાગ્યો.”

માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર આ કોમેડી ડ્રામામાં ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે અથવા તો તેનો એક લાંબો કેમિયો હશે. ભલે સ્ક્રીન ટાઈમ ઓછો હોય, પણ અક્ષયનો અવતાર અને તેની કોમેડી ટાઈમિંગ દર્શકોના દિલ જીતી લેશે તેવી ખાતરી છે. અક્ષયનું માનવું છે કે તેના માટે રોલની લંબાઈ કરતાં ફિલ્મની વાર્તા વધુ મહત્વની છે.
‘ગોલમાલ 5’ માં અજય દેવગણની સાથે અરશદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડેની જોડી ફરી જોવા મળશે. આ વખતે શરમન જોશી પણ પરત ફરી રહ્યા છે, જે ચાહકો માટે બોનસ છે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની એન્ટ્રી આ ફિલ્મને આગલા લેવલ પર લઈ જશે તે નક્કી છે.


