લસકાણામાં પાડોશીના સતત ત્રાસથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
શહેરના લસકાણા વિસ્તારમાં પાડોશીના સતત ત્રાસ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો એક દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, લસકાણામાં રહેતી આ મહિલા લાંબા સમયથી પાડોશમાં રહેતી અલ્પા ટાંક અને તેના ભાઈ નિલેશ પરમાર દ્વારા આપવામાં આવતા ત્રાસથી પરેશાન હતી. મહિલાનો આક્ષેપ છે કે આ લોકો તેને સતત હેરાન કરી રહ્યા હતા અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ત્રાસ સહન ન થતા આખરે મહિલાએ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું.
મહિલાએ સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયોમાં માત્ર પાડોશીઓ જ નહીં, પરંતુ લસકાણા પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેને ન્યાય આપવાને બદલે હેરાન કરવામાં આવતી હતી અથવા તેની રજૂઆતો સાંભળવામાં આવતી ન હતી. આ વીડિયોમાં મહિલા પોતાની આપવીતી જણાવતા રડી પડી હતી અને ત્યારબાદ ફીનાઈલ પી લીધું હતું.
ઘટનાની જાણ થતા જ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મહિલાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.


