અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના દુર્ગી (ઘરજી) ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની ઘટના સામે આવી છે. દેશી દારૂના વેચાણની બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ કર્મી પર સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 15 શખ્સોના નામજોગ અને 100 થી 125 અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કડક તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, બાવળાના દુર્ગી ગામે ‘ઝોપડી માતાનો માંડવો’ હોવાથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મેળાની આડમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે જ્યારે પોલીસ કર્મી ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પોલીસને જોઈને બુટલેગર ભાગવા લાગ્યો હતો. પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ત્યાં હાજર ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મી ટીમ પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ આકરૂ વલણ અપનાવ્યું છે. પોલીસે 15 મુખ્ય આરોપીઓને નામજોગ ફરિયાદમાં લીધા છે, જ્યારે અન્ય 100થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરાર આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો કરનાર તત્વો સામે કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની દિશામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ આગળ વધી રહી છે.


