ગીર સોમનાથ જિલ્લામાં નકલી ચીજવસ્તુઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. શુદ્ધતાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં નકલી ચીજવસ્તુઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. કોડીનાર-ઉના બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલા એક બોલેરો વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. શુદ્ધતાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.

કોડીનાર પોલીસે બાતમીના આધારે બાયપાસ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બોલેરો વાહનને રોકી તલાશી લેતા તેમાંથી ઘીના 7 ડબ્બા મળી આવ્યા હતા, જેનું કુલ વજન 105 કિલો જેટલું થાય છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ઘી ઉનાની ‘શ્રીજી’ નામની દુકાનમાંથી મેળવીને માઢવડ ગામે લઈ જવામાં આવી રહ્યું હતું. ઘીની ગુણવત્તા શંકાસ્પદ જણાતા પોલીસે તાત્કાલિક અસરથી આ જથ્થો જપ્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ (સેમ્પલ) લઈને તેને વધુ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ઘી ભેળસેળિયું છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં પોલીસે વાહન ચાલક અને સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે જિલ્લાના વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.


