HomeGujaratGujarat : વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના...

Gujarat : વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિકરાળ

વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની અનેક ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી અનુસાર, વાપીમાં રવિવારે (29મી માર્ચ) મોડી રાત્રે ડુંગરી ફળિયાના એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આ આગ આસપાસના અન્ય 35 જેટલા ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ આકાશમાં દૂર-દૂર સુધી દેખાતી હતી. રહેણાંક વિસ્તારની નજીક આગ હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોને તાત્કાલિક ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતા વાપી મનપા, GIDC, નોટિફાઇડ એરિયા ઉપરાંત દમણ અને સેલવાસથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. કાફલા સાથે પહોંચેલા લાશ્કરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વાપી અને આસપાસના વિસ્તારોમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અગાઉ મનપા દ્વારા ગેરકાયદે ગોડાઉનોને નોટિસ આપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ડુંગરા વિસ્તારમાં આ કામગીરી અધૂરી છોડી દેવાતા અનેક ગેરકાયદેસર ગોડાઉનો ધમધમી રહ્યા છે. રહેણાંક વિસ્તારની વચ્ચે આવા જોખમી ગોડાઉનો ચાલતા હોવા છતાં તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments