HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું...

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છુપાવી હતી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 83.29 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) દ્વારા કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 30મી માર્ચ 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK 91 દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહિલાએ પોતાના શરીરમાં બે કેપ્સ્યુલ્સ છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સની અંદર લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ભરેલી હતી. જે બાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનાની પેસ્ટને રિફાઇન કરવામાં આવી હતી અને તેમાંથી 24 કેરેટનું કુલ 553.07 ગ્રામ સોનું મળ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ કિંમત 75,58,393 હોવાનું જાણવા મળ્યું છે.

કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments